By | 29th August, 2020

વાલીઓ-વિદ્યાર્થીઓમાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવાની મુંઝવણ

મુંબઈ, તા. 28 : કોરોનાની કટોકટી વચ્ચે સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાઓ નીટ (એમઇઇટી) અને જી (જેઇઇ) યોજવા સામે દેશભરમાં ખાસ તો રાજકીય ઉહાપોહ વચ્ચે આજે મોડી સાંજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલોમાં ઉચ્ચસ્તરિય બેઠક કરી હતી, જે મોડી રાત સુધી ચાલી હતી.’

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠાકરેએ લૉકડાઉન વચ્ચે રાજ્યના લાખો વિદ્યાર્થીઓને કોરોના કાળમાં આ મહત્ત્વની પરીક્ષાના કેન્દ્રો સુધી કેમ પહોંચાડવા એ બાબતે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આજકાલમાં આ મામલે સરકાર તરફથી કોઇ મહત્ત્વની જાહેરાતની સૌને પ્રતિક્ષા છે. ખાસ તો ગણેશોત્સવ બાદ મુંબઈમાં લૉકડાઉનની શરતો વધુ હળવી કરવાની ચર્ચા ચાલે છે તેમાં પહેલી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીથી જ લોકલ ટ્રેન વિષયક કોઇ નિર્ણયની શક્યતા જોવાઇ રહી છે. પરીક્ષા માટે મુંબઈના વિદ્યાર્થીઓને હૉલ ટિકિટના આધારે લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવી કે કેમ એની પણ ચર્ચા થયાંનું સૂત્રોએ કહ્યું હતું.


વાલીઓ-વિદ્યાર્થીઓની ચિંતા રાજકીય હોબાળાથી વિદ્યાર્થીઓમાં પરીક્ષા લેવાશે કે કેમ એ સંબંધે અસમંજસ તેમ જ કોરોના સંક્રમણ ઉપરાંત વાહનવ્યવહાર પૂર્વવત્ નથી થયો એની વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા છે.’

ડોમ્બિવલીમાં રહેતા યશ નાગડાએ `જન્મભૂમિ’માં ફોન કરીને પોતાની મુશ્કેલી વર્ણવી હતી. યશે કહ્યું હતું કે હું જીની પરીક્ષા આપવાનો છું અને પરીક્ષા કેન્દ્ર કાંદિવલીની ઠાકૂર કૉલેજમાં મળ્યું છે. હાલમાં મુંબઈમાં સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓ માટે લૉકડાઉન જ છે. ટ્રેનો ચાલતી નથી અને ડોમ્બિવલીથી કાંદિવલી સુધી ખાનગી કાર ભાડે કરવામાં ઇ-પાસ ઉપરાંત મોટી રકમ ચૂકવવાની થશે. આ બાબતે સરકાર કોઇક વ્યવસ્થા કરશે એવી અપેક્ષા છે પરંતુ ક્યારે કરશે એ પ્રશ્ન છે. મારા જેવા કેટલાંય સ્ટુડન્ટ્સ થાણે જિલ્લામાં રહે છે અને મુંબઈની કૉલેજોમાં અભ્યાસ કરતા હોવાતી તેમના નંબર મુંબઈના પરાંની કૉલેજોમાં આવ્યા છે. અમારા પરિવાર કોરોનાના સમયમાં આટલે દૂર જવા દેવામાં પણ ગભરાય છે.’


વિલે પાર્લેની એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે મને નીટનું પરીક્ષા કેન્દ્ર ભાયંદરમાં મળ્યું છે, બીજી એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે તેનો નંબર નવી મુંબઈમાં આવ્યો છે. આ બધાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની અને પરત ઘરે આવવા સંબંધી ચિંતા છે. કોરોનાનો ભય હજુ દૂર નથી થયો તેથી વાલીઓ પણ ચિંતામાં છે.

પરીક્ષાર્થીઓને લોકલમાં પ્રવાસની છૂટ?
હાલમાં સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવા ક્ષેત્રના કર્મચારીઓ માટે મર્યાદિત પ્રમાણમાં ટ્રેનો દોડે છે, તેમાં પરીક્ષાના દિવસે આ વિદ્યાર્થીઓને પ્રવાસની ખાસ મંજૂરી આપવામાં આવશે? એવું રેલવેના એક અધિકારીને પુછાંતા તેમણે કહ્યું હતું કે રેલવેના અધિકારીઓ વચ્ચે આ મામલે ચર્ચા થઇ હતી કે આ માટે રાજ્ય સરકાર નિર્દેશ આપશે તો રેલવે તૈયાર છે. વિદ્યાર્થીઓને આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટેની હૉલ ટિકિટના આધારે પ્રવાસની છૂટ મળી શકે છે. પરંતુ આનો નિર્ણય તો રાજ્ય સરકારે જ લેવો પડશે. કેન્દ્રએ આવી વ્યવસ્થા માટે રાજ્ય સરકારોને છૂટ પણ આપી છે.

કેન્દ્રનું વલણ વિદ્યાર્થી વિરોધી : કૉંગ્રેસના દેખાવો
જી અને નીટની પરીક્ષાઓ લેવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી તેના વિરેધમાં કૉંગ્રેસે આજે દેશવ્યાપી દેખાવો કર્યા હતા. મુંબઈમાં આ રેલીની આગેવાની લેનારા મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને રાજ્યના મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે કોરોનાનો વ્યાપ વધતો જાય છે એવા સમયમાં આ મહત્ત્વની પરીક્ષાનો નિર્ણય લઇને કેન્દ્ર સરકારે વિદ્યાર્થી વિરોધી વલણ દાખવ્યું છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ આરોગ્ય સંબંધી ચિંતામાં છે. લગભગ સાડા આઠ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવાની ચિંતા છે અને આટલી મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરે એના કારણે કોરોનાના ફેલાવાનો ભય તો ઉભો જ છે.”